મચ્છુ-૩ ડેમના ૭ દરવાજા ૮ ફૂટ ખોલાયા; કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ ડેમની મુલાકાત લઈ આપ્યા જરૂરી આદેશો
માહિતી મોરબી: ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬
જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક ભારે વરસાદના પગલે જળાશયોની પરિસ્થિતિ અને જનસુરક્ષાની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ મચ્છુ ૩ ડેમની મુલાકાત લીધી હતી.
ઉપરવાસમાંથી થઈ રહેલી નીરની ભારે આવકના પગલે મચ્છુ-૩ ડેમના ૭ દરવાજા ૮ ફૂટ ખોલીને ૪૬,૮૭૩ ક્યુસેક પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. જળાશયની આ સ્થિતિ વચ્ચે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ મચ્છુ-૩ ડેમની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરશ્રીએ સ્થળ પર ઉપસ્થિત સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ પાસેથી પાણીની આવક, જળસ્તર અને હેઠવાસના ગામોની સુરક્ષા અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ જાળવી રાખવા તેમજ નાગરિકોની સુરક્ષા માટે અગમચેતીના તમામ જરૂરી પગલાં સુનિશ્ચિત કરવા અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી.






