સમજાવવા ગયેલા વૃદ્ધને લોખંડના સણોથાથી માર મારી આપી જાનથી મારી નાખવાની ધમકી.
હળવદના જુના માલણીયાદ ગામે શેરીમાં પાણી ઢોળવાની બાબતે સમજાવવા ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધ ઉપર લોખંડના સણોથાથી હુમલો કરી ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે હળવદ પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
હળવદ તાલુકાના માલણીયાદ ગામે શેરીમાં પાણી ઢોળવાની બાબતે પાડોશીને સમજાવવા ગયેલા જેરામભાઈ રેવાભાઈ ગુંડારીયા ઉવ.૬૦ અને તેમના પુત્ર હરેશભાઇને આરોપી માનસિંગભાઈ નાનુભાઈ ઉઘરેજા સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી માનસીંગભાઈ ઉઘરેજાએ લોખંડના સણોથાથી જેરામભાઈના માથામાં ઘા મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ અન્ય આરોપી સવજીભાઈ નાનુભાઈ ઉઘરેજાએ પણ ત્યાં આવી માર માર્યો હતો. ત્યારે ઈજાગ્રસ્ત વૃદ્ધને હળવદ બાદ મોરબી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ મામલે હળવદ પોલીસે જેરામભાઈની ફરિયાદને આધારે બંને આરોપીઓ સામે બીએનએસની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






