ટંકારા નગરપાલિકા વિસ્તારમાં પશુપાલકો અને અબોલ પશુઓ માટે એક ખુબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલિકા હસ્તકની અંદાજે એક હજાર વીઘા જેટલી વિશાળ ગૌચર જમીનને દબાણમુક્ત કરવા અને તેનો પશુઓના ચરાણ માટે યોગ્ય ઉપયોગ થાય તે માટે પાલિકા પ્રશાશન દ્વારા એક મોટો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગૌચરની જમીન ઓળખાવીને ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વો અને ખનિજ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાયદાકીય પગલાં ભરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા નગરપાલિકાની હદમાં સરકારી રેકોર્ડ પર અલગ-અલગ સર્વે નંબરોમાં આશરે ૧૦૦૦ વીઘા જેટલું ગૌચર આવેલું છે. જોકે, લાંબા સમયથી પ્રોપર માપણી કે સરહદોની ઓળખ ન હોવાના કારણે આસપાસના કેટલાક ખેતર માલિકોએ ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો. એટલું જ નહીં, સ્થાનિક ખનિજ માફિયાઓ દ્વારા પણ આ ભૂમિ પર આડેધડ ખોદકામ કરીને મોટા-મોટા ખાડા પાડી દેવાયા હતા. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક પશુપાલકોને પોતાના પશુઓને ચરાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ટંકારા નગરપાલિકાના પ્રજાપ્રિય અને કાયદાકીય પ્રક્રિયાના તજજ્ઞ ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા એક વિશેષ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત આગામી દિવસોમાં પાલિકા હસ્તકના તમામ ગૌચર સર્વે નંબરોની સરકારી તંત્ર દ્વારા વિધિવત રીતે વૈજ્ઞાનિક માપણી કરવામાં આવશે. માપણી પૂર્ણ થયા બાદ ગૌચરની ચોક્કસ હદ નક્કી કરી તેની ઓળખ જાહેર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ દબાણ ન થઈ શકે.
રાજ્ય સરકારના પ્રજા હિતના આદેશોને ધ્યાનમાં લઈ લોકઉપયોગી નિર્ણયમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ પરસોતમ રૂપાલા પાલિકાના પ્રથમ પ્રમુખ પંકજ કારેલિયા ઉપપ્રમુખ સરોજબેન ખોખાણી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સદસ્યોનો સરાહનીય સહયોગ સાંપડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા જમીન દફતરી શાખા ડિ.આઈ.એલ.આર કચેરી તાલુકા મથકે ધમધમાટ થતાજ કાર્યને વેગ મળશે.
સરકાર અને તંત્રના આ અદકેરા આયોજનને પગલે ટંકારાના પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. અબોલ જીવોના હિતમાં લેવાયેલા આ કડક નિર્ણયથી ગૌચર ભૂમિ કાયમી ધોરણે સુરક્ષિત બનશે અને પશુઓને ચરાણ માટે પૂરતી જગ્યા મળી રહેશે. પાલિકાની આ સરાહનીય કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ મચી ગયો છે.






