હળવદ તાલુકાના રાણેકપર ગામે પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરતાં એક દુકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,632 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹6.86 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે.
બાતમીના આધારે હળવદ પોલીસે હળવદ તાલુકાના રાણેકપર ગામે રેડ કરતા ગામમાં આવેલી એક દુકાનમાં સંતાડી રાખવામાં આવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં દુકાનનો કબજો અને સંચાલન રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા પાસે હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ રાજકુમાર ઉડેચા ગામના સરપંચના પતિ હોવાનું પણ સામે આવ્યું છે. દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની નાની-મોટી મળી કુલ 1,632 દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹6.86 લાખ થાય છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.






