મોરબી તાલુકા પોલીસને પ્રોહિબિશન સંબંધિત કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલા કાચા રસ્તા પરથી દેશી દારૂનો જથ્થો ભરેલી મહેન્દ્ર TUV 300 કાર ઝડપી પાડી પોલીસે કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે વાંકડા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. જેમાં તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરની મહેન્દ્ર TUV 300 કાર નીકળતા તેને રોકી કારમાં તપાસ કરતા તેમાંથી આશરે 800 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. કારમાં ગેરકાયદેસર રીતે કોઈ પાસ-પરમિટ વગર દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારમાંથી અંદાજે ₹1.60 લાખનો દેશી દારૂ તેમજ ₹4 લાખ કિંમતની કાર મળી કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટનાસ્થળેથી આરોપી ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.






