મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે વાહનચોરીના અનડિટેક્ટ કેસનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને જામનગર-ખંભાળિયા હાઇવે પરથી ઝડપી પાડી તેની પાસેથી રૂ. 2 લાખ કિંમતની ચોરાયેલી CNG રિક્ષા કબજે કરી છે. આ સફળ કાર્યવાહીથી મિલ્કત સંબંધિત ગુનાઓ સામે પોલીસને મહત્વની સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર, સરહદી ભુજ રેન્જ આઈ.જી.નાં માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના એસપી અને ડી.વાય.એસ.પી. દ્વારા મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) હેઠળ નોંધાયેલા વાહનચોરીના ગુનાની તપાસ માટે સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી હતી. જેને લઇ ટીમે ટેક્નિકલ વર્ક અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી જામનગર-ખંભાળિયા હાઇવે પર જાખર ગામના પાટિયા નજીકથી આરોપી કલ્પેશભાઈ ભુરાભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પાસેથી GJ-36-W-4543 નંબરની રૂ. 2 લાખ કિંમતની CNG રિક્ષા કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસની વધુ તપાસ પો.સ.ઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે.






