હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોલ પંપ અને કોમર્શિયલ એકમોમાં ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ: ફાયર સેફ્ટી ચેકિંગ, નોટિસ અને પ્લાન એપ્રુવલની કામગીરી પણ હાથ ધરાઈ.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ તા.૨૪થી ૩૦ જૂન દરમિયાન બે હોસ્પિટલ, ત્રણ ઇન્ડસ્ટ્રીઝ, એક પેટ્રોલ પંપ અને એક કોમર્શિયલ એકમમાં કુલ ૮૬ લોકોને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપી હતી. આ ઉપરાંત ફાયર સેફ્ટી ચેકિંગ, નોટિસ, પ્લાન એપ્રુવલ તેમજ આગની ઘટનાઓમાં ત્વરિત કામગીરી પણ કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ તા.૨૪ જૂનથી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને અકસ્માત નિવારણ માટે વિવિધ સ્થળોએ તાલીમ કાર્યક્રમો યોજ્યા હતા. આ દરમિયાન બે હોસ્પિટલના ૧૭ કર્મચારીઓ, ત્રણ ઇન્ડસ્ટ્રીઝના ૫૧ કર્મચારીઓ, એક પેટ્રોલ પંપના ૮ કર્મચારીઓ અને એક કોમર્શિયલ એકમના ૧૦ કર્મચારીઓને એમ કુલ ૮૬ લોકોને ફાયર પ્રિવેન્શન અને આગ બુઝાવવાના સાધનોના યોગ્ય ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી.
અગ્નિશમન શાખાએ પ્રિવેન્શન કામગીરીના ભાગરૂપે વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં જરૂરી સુવિધાઓમાં ખામી જોવા મળી ત્યાં સંબંધિત બિલ્ડિંગોને નોટિસ પાઠવી જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. ઉપરાંત ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી ચાર અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં મંજૂરી માટે મોકલવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન શહેરમાં એક રેસ્ક્યુ કોલ તેમજ આગ લાગવાના સાત બનાવોમાં ફાયર બ્રિગેડના જવાનોએ આધુનિક સાધનો અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) સાથે કામગીરી કરી હતી. ચીફ ફાયર ઓફિસરે નાગરિકોને આગ જેવી ઇમરજન્સી સર્જાય ત્યારે તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફોન નં. (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે.






