Saturday, July 4, 2026
HomeGujaratમોરબીમાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરના હસ્તે નિમણૂક પત્રો એનાયત

મોરબીમાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરના હસ્તે નિમણૂક પત્રો એનાયત

નવનિયુક્ત તલાટીઓ મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગ્રામ્ય પ્રશાસનનો ચહેરો છે; નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે નિવારણ લાવવા મુખ્યમંત્રી અને કલેક્ટરનું આહવાન.

- Advertisement -
- Advertisement -

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં મોરબી જીલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયું.

મોરબી: ગુજરાત સરકારની સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયાના ભાગરૂપે મહેસૂલ વિભાગ અંતર્ગત નવનિયુક્ત તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ મોરબી જીલ્લા મથકે યોજાયો હતો. જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને અને નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં મોરબી જીલ્લાના કુલ ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરી જીલ્લા વહીવટી તંત્રમાં આવકારવામાં આવ્યા હતા.

મોરબી ખાતેનો આ મુખ્ય જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા ૨૩૦૦થી વધુ યુવાઓના રાજ્યકક્ષાના નિમણૂક પત્ર વિતરણ સમારોહ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંકળાયેલો હતો, જેમાં મોરબીના વહીવટી અધિકારીઓ અને નવયુવાન કર્મયોગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મુખ્યમંત્રીનું પ્રેરણાદાયી ઉદ્બોધન અને જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

ગાંધીનગર ખાતેથી નવનિયુક્ત કર્મયોગીઓને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેવન્યુ તલાટીને સમગ્ર મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગામડાના વહીવટનો મજબૂત આધારસ્તંભ ગણાવ્યા હતા. ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓનો સ્થાનિક સ્તરે જ સંતોષકારક નિકાલ લાવી તલાટીઓને મુખ્ય સેવા દાયિત્વ નિભાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્ય સરકારના આ સકારાત્મક અભિગમને મોરબી જીલ્લામાં વેગ આપતા જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ તમામ ૫૩ નવનિયુક્ત તલાટીઓને મોરબી જીલ્લા પ્રશાસનમાં જોડાવા બદલ વિશેષ માર્ગદર્શન પૂરું પાડી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, જીલ્લામાં આ નવી નિમણૂકો થવાથી ખાલી જગ્યાઓ ભરાતા વહીવટી ક્ષમતા બમણી થશે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારી સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને ઝડપી રીતે પહોંચશે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, નવી નિયુક્તિ પામેલા કર્મયોગીઓની મેરિટ આધારિત પસંદગી એ તંત્રની પારદર્શિતા દર્શાવે છે. ગામડાનો સામાન્ય માણસ અને ખેડૂત જ્યારે પોતાની નાની-મોટી જરૂરિયાતો માટે આવે ત્યારે તેના પાયાના અધિકારો અને જમીન દસ્તાવેજોની કામગીરીમાં તલાટીની સહી અને વર્તન જ આખી સરકારની છબી નક્કી કરે છે. આથી, મોરબી જીલ્લાના તમામ નવનિયુક્ત કર્મચારીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને સેવાભાવ સાથે નાગરિકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવે તેવા અભિગમ સાથે કામગીરી કરવા સૌને કલેક્ટરે પ્રેરણા પૂરી પાડી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!