Monday, July 6, 2026
HomeGujaratમાળીયા(મી)માં મોરબી પોલીસનું મેગા ડે-કોમ્બીંગ, દેશી તમંચો અને ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત

માળીયા(મી)માં મોરબી પોલીસનું મેગા ડે-કોમ્બીંગ, દેશી તમંચો અને ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત

૪૫૦થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમે ખીરઈ ગામમાં ડ્રોન સર્વેલન્સ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ૩૬ વાહનો ડિટેઈન અને ટ્રાફિક નિયમભંગ બદલ રૂ.૧૭,૧૦૦નો દંડ વસૂલાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે મોરબી જીલ્લા પોલીસે માળીયા(મી)માં મેગા ડે-કોમ્બીંગ હાથ ધર્યું હતું. આશરે ૪૫૦ પોલીસ જવાનોની ટીમે ખીરઈ ગામ સહિતના વિસ્તારોમાં ડ્રોન અને વીડિયોગ્રાફીની મદદથી સર્ચ ઓપરેશન કર્યું હતું. કાર્યવાહીમાં હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરનાર કેદી અને પ્રોહિબિશનના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત એક આરોપીના ઘરેથી દેશી તમંચો, ૨૩ કાર્ટીઝ, તલવાર, છરી, ભાલા સહિત મોટી સંખ્યામાં ઘાતક હથિયારો અને ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના નેતૃત્વ હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા ફરતા, પેરોલ જમ્પ કરેલા આરોપીઓ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે તા.૫ જુલાઈ ૨૦૨૬ના રોજ માળીયા(મી) વિસ્તારમાં મેગા ડે-કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ખુદ જીલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી, એસઓજી, પેરોલ-ફર્લો સ્કવોડ, ટ્રાફિક શાખા, બીડીડીએસ ટીમ તેમજ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત આશરે ૪૫૦ જેટલો પોલીસ સ્ટાફ જોડાયો હતો. અલગ-અલગ ટીમો બનાવી ખીરઈ ગામ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને વીડિયોગ્રાફી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

કાર્યવાહી દરમિયાન માળીયા(મી)ના વિશાલા હોટલ પાછળ રહેતા સીદીકભાઈ સુભાનભાઈ કટીયાના રહેણાંક પર સર્ચ કરતાં દેશી હાથ બનાવટનો એક તમંચો, ૨૩ જીવતા કાર્ટીઝ, છરી, છરા, તલવારો, ભાલા, ધારીયા, કુહાડી, ફરસી જેવા ઘાતક હથિયારોનો મોટો જથ્થો તેમજ ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડે-કોમ્બીંગ દરમિયાન હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને પેરોલ રજા પરથી ફરાર થયેલો આરીફભાઈ મહેબુબભાઈ જામને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વર્ષ ૨૦૨૧ના હત્યાના કેસમાં દોષિત ઠરી રાજકોટ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. હાઈકોર્ટના આદેશથી ત્રણ દિવસની પેરોલ મળ્યા બાદ સમયસર જેલમાં હાજર ન થતાં તે પેરોલ જમ્પ જાહેર થયો હતો. હવે તેને ફરી રાજકોટ જેલ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ ઉપરાંત પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે દેશી દારૂના વેચાણ અને કબજાના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તપાસ દરમિયાન તેના રહેણાંક સહિત સંબંધિત સ્થળોએ વીજચોરી થતી હોવાની માહિતી મળતા પીજીવીસીએલને જાણ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મેગા ડે-કોમ્બીંગ દરમિયાન ટ્રાફિક નિયમોના અમલ માટે પણ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. એમ.વી. એક્ટ કલમ ૨૦૭ હેઠળ ૩૬ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૩૪ કેસમાં કુલ રૂ.૧૭,૧૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા પોલીસે જણાવ્યું હતું કે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આવી કોમ્બીંગ ડ્રાઇવ અને સઘન ચેકિંગની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!