નવા લાયન વર્ષના પ્રથમ દિવસે સેવા પ્રકલ્પનો પ્રારંભ: બ્રિજ પર કુલ ૧૦૦ અને શહેરમાં ૪૦૦થી વધુ બેન્ચ મુકવામાં આવી.
લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગે નવા લાયન વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ દિવસે નવા મયુર બ્રિજ પર ૨૫ બેસવાની બેન્ચનું લોકાર્પણ કર્યું હતું. પ્રમુખ સચિનભાઈ કોટેચા અને ક્લબના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમથી અત્યાર સુધીમાં બ્રિજ ઉપર કુલ ૧૦૦ બેન્ચ મુકવામાં આવી છે.
તા. ૧ જુલાઈએ નવા લાયન વર્ષની શરૂઆત થતી હોય ત્યારે મોરબીના શંકર આશ્રમ સામે આવેલા નવા મયુર બ્રિજ પર યોજાયેલા કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ૨૫ નવી બેસવાની બેન્ચનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અગાઉ ૭૫ બેન્ચ મૂકવામાં આવી હતી, જેથી હવે બ્રિજ પર કુલ ૧૦૦ બેન્ચ ઉપલબ્ધ થઈ છે. ક્લબ દ્વારા અત્યાર સુધી મોરબી શહેરમાં ૪૦૦થી વધુ બેન્ચ સ્થાપિત કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત નાગરિકો પોતાના સ્વજનોની સ્મૃતિમાં નામની તકતી સાથે અંદાજે રૂ. ૨,૫૦૦ના ખર્ચે બેન્ચ સ્થાપિત કરાવી શકે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.






