મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ ક્લેરોક(ઇટાકા) ફેક્ટરીમાં માટી ખાતામાં ૨૦ વર્ષીય શ્રમિક રેંકડો લઈને જતો હોય તે દરમિયાન લોડરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી આવી યુવકને હડફેટે લેતા તેનું કરુણ મોત થયું હતું. હાલ બનાવ અંગે પોલીસે આરોપી લોડર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવવી છે.
ગત તા. ૦૫/૦૭ના રોજ જાંબુડિયા ગામની સીમમાં આવેલ કલેરોક(ઈટાકા) નામની ફેક્ટરીમાં માટી ખાતામાં કામ કરતા નારાયણસિંહ પાનસિંહ ભીલ ઉવ.૨૦ મૂળ રહે. રહે. બેટાંડા પંચાયત તા.જી.ગુના (એમ.પી) વાળો રેકડો લઈને જતો હોય ત્યારે માટી ખાતામાં લોડર રજી. નં. જીજે-૩૬-એસ-૩૦૨૬ની હડફેટે આવી જતા તેમને માથા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતકના પિતા પાનસિંહ ગણેશભાઇ ભીલની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી લોડર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






