વાંકાનેર ડિવિઝનમાં જુગારીઓ પર પોલીસની તરાપ:હળવદ,ટંકારા અને વાંકાનેરમાંથી કુલ ૨૧ જુગારીઓને ત્રણ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડિવિઝન હેઠળ આવતા હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકામાં અલગ-અલગ દરોડા પાડવામાં આવ્યા હતા.ત્રણેય કાર્યવાહીમાં કુલ 21 આરોપીઓને ઝડપી લઈને રૂ. 3,30,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
હળવદમાં વાડીની ઓરડીમાંથી ૧૦ જુગારીઓ ઝડપાયા
હળવદ ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ ધરતીનગર વિસ્તારમાં જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમારની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર, લગધીરસિંહ હનુભા ઝાલા, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા, કાળુભાઈ રત્નાભાઈ કણઝરીયા, મહેશભાઈ ટીનાભાઈ થરેસા, અનિલભાઈ જયંતીભાઈ સનુરા, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા, જેસીંગભાઈ કરણાભાઈ ભુંભરીયા અને ઝાલાભાઈ હિન્દુભાઈ જાદવને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ.1,03,300 તથા ગંજીપત્તાના 52 પાના કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટંકારાના નસીતપરમાં જાહેરમાં જુગાર રમતા 6 ઇસમો ઝડપાયા
ટંકારા પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલા સહિતની ટીમ દ્વારા નસીતપર ગામની સીમમાં દરોડો પાડી ભરતભાઈ છગનભાઈ કડીવાર, કાંતીલાલ કરશનભાઈ આદ્રોજા, બલવીરભાઈ ધીરજલાલ બરાસરા, ભરતભાઈ પ્રભુભાઈ વીરસોડિયા, હીતેશભાઈ ઓધવજીભાઈ હોથી અને દિનેશભાઈ કાંતીલાલ વીઠલાપરાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.91,700, છ મોબાઇલ ફોન કિંમત રૂ.30,000 તથા ગંજીપત્તાના પાના મળી કુલ રૂ.1,21,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે 5 જુગારીઓ ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસ મથક પીઆઇ બી.વી પટેલ સહિતની ટીમ દ્વારા વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં દરોડો પાડી વિશાલભાઈ રાણાભાઈ કાંજીયા, હમીરભાઈ હિરાભાઈ ગમારા, જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા, વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા અને દસરથભાઈ દિનેશભાઈ કાંજીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1,05,000 તથા ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. તમામ આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






