હળવદ મામલતદાર કચેરી અને હળવદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃદ્ધ અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ માટે ૧૩ થી ૧૫ જુલાઈ દરમિયાન વિશેષ E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને મામલતદાર કચેરી સુધી ન જવું પડે તે માટે નગરપાલિકા ખાતે જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હળવદ શહેરમાં રહેતા વૃદ્ધ અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ માટે હળવદ મામલતદાર કચેરી અને વહીવટી તંત્ર દ્વારા, હળવદ નગરપાલિકાના સહયોગથી વિશેષ E-KYC કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ ૧૩, ૧૪ અને ૧૫ જુલાઈ ૨૦૨૬ દરમિયાન હળવદ નગરપાલિકા બિલ્ડિંગ પાછળ આવેલી સેનીટેશન શાખા, ભવાની મેડિકલ સામેની શેરી ખાતે યોજાશે. લાભાર્થીઓએ E-KYC પ્રક્રિયા માટે પોતાનું આધાર કાર્ડ તેમજ આધાર સાથે લિંક મોબાઈલ નંબર સાથે લાવવાનો રહેશે, કારણ કે મોબાઈલ પર ઓટીપી મોકલવામાં આવશે.
આ વિશેષ કેમ્પનો મુખ્ય હેતુ વૃદ્ધ અને વિધવા સહાયના લાભાર્થીઓને ગામની વચ્ચે જ સરળતાથી E-KYCની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. આ સાથે મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી અને સામાજિક કાર્યકર તપન દવે દ્વારા પણ વિડિયો મારફતે કેમ્પ અંગે માહિતી આપી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી આ જાણકારી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે. આયોજકોએ હળવદ શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને આ વિશેષ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.






