Wednesday, July 15, 2026
HomeGujaratસ્કૂલના વાલીઓના વોટ્સએપ ગ્રૂપ હેક કરી ખંડણી અને ઠગાઈ આચરનાર આરોપી મોરબી...

સ્કૂલના વાલીઓના વોટ્સએપ ગ્રૂપ હેક કરી ખંડણી અને ઠગાઈ આચરનાર આરોપી મોરબી સાયબર ક્રાઇમના હાથે ઝડપાયો

ઓટીપી મેળવી વોટ્સએપ હેક કરતો, સ્કૂલ સંચાલક બની વાલીઓને ધમકાવી પૈસા પડાવતો: ૧૩ ગુનાઓનો ઇતિહાસ ધરાવતા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર.

- Advertisement -
- Advertisement -

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓના વોટ્સએપ ગ્રૂપ હેક કરી સ્કૂલ ફી અને ખંડણીના નામે લાખો રૂપિયાની માંગણી તેમજ ઠગાઈ કરનાર પ્રિતેશ ઉર્ફે ગોગી પ્રજાપતીની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ પણ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઠગાઈ સહિતના ૧૩ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક- એસ.સી./એસ.ટી. સેલના માર્ગદર્શન મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈ હેઠળના ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન સામે આવ્યું કે, ફરિયાદીના સંતાનો મોરબીની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આરોપીએ સ્કૂલ સંચાલકના નામે ફોન કરી ફરિયાદીની પત્ની પાસેથી ઓટીપી મેળવી તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું. ત્યારબાદ સ્કૂલના વાલીઓના વોટ્સએપ ગ્રૂપમાં સામેલ થઈ કેટલાક વાલીઓને ઇમોશનલી રીતે બ્લેકમેઇલ કરી રૂપિયા ૩૦ હજાર પડાવ્યા હતા. ઉપરાંત અન્ય એક વાલીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૧૦ લાખની ખંડણીની માંગણી પણ કરી હતી.

આરોપીએ માત્ર નાલંદા વિદ્યાલય જ નહીં પરંતુ મોરબીની ઈ-ઝોન સ્કૂલના વાલીઓના ગ્રૂપ તેમજ બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના વોટ્સએપ ગ્રૂપ પણ હેક કરી સ્કૂલ ફી તથા અન્ય બહાનાં હેઠળ નાણાં પડાવવાના પ્રયાસો કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ટેકનિકલ વિશ્લેષણ, ડિજિટલ ટ્રેસિંગ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ આવા જ ૧૩ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે અને ગુનો આચર્યા બાદ ગોવા ભાગી જતો હતો. પોલીસથી બચવા માટે તે મોટાભાગે ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ટેકનિકલ માહિતીના આધારે પોલીસે ૧૪ જુલાઈ ૨૦૨૬ના રોજ આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરતાં વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી ટ્રુ-કોલર સહિતના માધ્યમોથી મહિલાઓના મોબાઇલ નંબર મેળવી તેમને ફોન કરતો અને “ભૂલથી તમારા નંબર પર ઓટીપી આવ્યો છે” કહી ઓટીપી મેળવતો હતો. ત્યારબાદ વોટ્સએપ હેક કરી સ્કૂલ સંચાલક અથવા સંસ્થાના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી વાલીઓ, ખાસ કરીને મહિલાઓને મેસેજ અને ફોન કરી સ્કૂલ ફી, ઇમોશનલ બ્લેકમેઇલ અથવા ધમકીના આધારે રૂપિયા પડાવતો હતો.

આ સિવાય પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી સામે અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી, નડિયાદ, વલસાડ, સાબરકાંઠા, મહેમદાવાદ, મણિનગર અને નવસારી સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઠગાઈ, આઈટી એક્ટના ગુનાઓ, ધમકી, જુગાર અને છેડતીના ગુનાઓ મળી કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા છે. મોરબી સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સંદેશ આપતા અપીલ કરી છે કે, કોઈપણ અજાણ્યા વ્યક્તિને ફોન પર ક્યારેય ઓટીપી શેર ન કરવો. સ્કૂલ, બેંક અથવા અન્ય સંસ્થાના નામે આવતાં ફોન અને મેસેજની ખાતરી કર્યા વગર કોઈ માહિતી કે નાણાંની લેવડદેવડ ન કરવી. તમારી સાવધાની અને સતર્કતા જ તમારી સાયબર સુરક્ષાનું સૌથી મોટું હથિયાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!