લાકડાના ધોકા, લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી, ચાર આરોપીઓ સામે હળવદ પોલીસમાં ગુનો નોંધાયો.
હળવદ તાલુકાના ચરાડવા ગામે મોબાઇલ ચોરીના આક્ષેપને લઈને થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ સગા ભાઈઓ સહિત ચાર વ્યક્તિઓ ઘાયલ થતાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે મોબાઇલ ચોરીના આક્ષેપને લઈને થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ફરિયાદી મેહુલભાઈ દેવશીભાઈ વડેચા ઉવ.૨૩ રહે. નવા દેવળીયા તા.હળવદ વાળાની ફરિયાદ મુજબ, ગત તા.૧૩/૦૭ના રોજ તેમના ભાઈ રાહુલભાઈ સાથે મોબાઇલ ચોરીના મુદ્દે આરોપી ફિરોઝ ઈસાભાઈ મિયાણા અને વિરલ રતિલાલ મિસ્ત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી રાત્રિના સમયે આરોપીઓ ફરિયાદીના ચરાડવા ખાતે આવેલ વાડીના રહેણાંક મકાને ધસી આવ્યા હતા. જ્યાં આરોપી ફિરોઝ ઈસાભાઈ મિયાણા, વિરલ રતિલાલ મિસ્ત્રી, યુવરાજસિંહ ચકુભા દરબાર અને એક અજાણ્યા શખ્સે ફરિયાદી તથા તેમના પરિવારજનો સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન આરોપી ફિરોઝે લાકડાના ધોકાથી ફરિયાદીના માથામાં ઘા કર્યો હતો, જ્યારે આરોપી યુવરાજસિંહે છરી વડે ફરિયાદીના કુટુંબી ભાઈ વિપુલભાઈને પડખાના ભાગે છરી વડે ઇજા પહોંચાડી હતી.
ઉપરાંત આરોપીઓએ લાકડાના ધોકા, લોખંડના પાઇપ અને છરી વડે આડેધડ હુમલો કરતા ફરિયાદીના ભાઈ કમલેશભાઈને મોઢાના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચાડી ચારી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ જેતપર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી તેમજ રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ફરિયાદી ત્રણેય ભાઈઓ તથા તેમના કુટુંબી ભાઈ સહિત ચારને ઇજાઓ પહોચી હતી. હાલ હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






