શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશંસાપત્ર અપાયા, સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ‘નમસ્તે દિવસ’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ PPE કિટનું વિતરણ અને મેડિકલ કેમ્પ યોજી સફાઈકર્મીઓના આરોગ્ય અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા ૧૪ જુલાઈના રોજ ‘નમસ્તે દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, દંડક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ સેનિટરી ઇન્સ્પેક્ટર ધારા પટેલ, શ્રેષ્ઠ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર મીના વાઘેલા તેમજ શ્રેષ્ઠ સફાઈકર્મી આશાબેન પઠાણને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સફાઈકર્મીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખી તેમને PPE કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સફાઈકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબી તપાસ તેમજ જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સફાઈકર્મીઓના અમૂલ્ય યોગદાનને બિરદાવવાનો, તેમની કામગીરીને પ્રોત્સાહન આપવાનો તેમજ સુરક્ષિત અને સ્વચ્છ કાર્યપરિસ્થિતિ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું હતું.






