મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે બાપા સિતારામ હોટલ નજીક એક નરાધમે ગાયનું પૂંછડું ખેંચી તેની સાથે જાહેરમાં અશ્લીલ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો અને માહિતીના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તા.૧૪ જુલાઈના રોજ બપોરે આશરે ૨.૪૫ વાગ્યે ઊંચી માંડલ ગામ પાસે આવેલી બાપા સિતારામ હોટલ નજીક ખુલ્લી જગ્યામાં એક શખ્સે ગાય સાથે અશ્લીલ હરકતો કરી હતી. ફરિયાદ અનુસાર આરોપીએ ગાયનું પૂંછડું પકડી તેને મરડીને ખેંચી ગાયને પીડા પહોંચાડી હતી અને ત્યારબાદ તેને ઊંચા ઓટલા પાસે લઈ જઈ ઓટલા પર ચડી જાહેરમાં ગાય સાથે સંભોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે ફરિયાદી સંદીપભાઈ રમેશભાઈ પારેજીયા રહે.મહેન્દ્રનગર વાળાની ફરિયાદના આધારે રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના ઘોઘુંદા તાલુકાના નાંદેશમા ગામના રહેવાસી નરાધમ આરોપી કૈલાશ દોલારામ ગામેતી સામે મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.






