મોરબી જિલ્લામાં આગામી અષાઢી બીજની રથયાત્રાને ધ્યાનમાં રાખી નાસતા-ફરતા અને પેરોલ-ફર્લો જમ્પ કરનાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલા કોમ્બિંગ દરમિયાન મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ત્રિપલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો અને છેલ્લા દસ મહિનાથી ફર્લો રજા પરથી ફરાર આરોપી ઝડપાયો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.બી. દલવાડીના નિર્દેશન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાએ વહેલી સવારે કોમ્બિંગનું આયોજન કર્યું હતું. તે દરમિયાન પીએસઆઈ જે.સી. ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં નોંધાયેલા ત્રિપલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભરતભાઈ નારણભાઈ ડાભીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 14 દિવસની ફર્લો રજા મંજૂર કરવામાં આવી હતી. આરોપીની ફર્લો રજા 28 ઓક્ટોબર, 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તે રાજકોટ જિલ્લા જેલ ખાતે પરત હાજર થયો નહોતો અને ત્યારથી ફરાર હતો.
પોલીસે બાતમીના આધારે આરોપીને મોરબી કેનાલ રોડ, બોરીયા જકશીની વાડી, લાડલી પાર્ટી પ્લોટ સામે આવેલા તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડી રાજકોટ જિલ્લા જેલ સત્તાધીશોને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલ આરોપીની ઓળખ ભરતભાઈ નારણભાઈ ડાભી (ઉ.વ. 30), રહે. મોરબી કેનાલ રોડ, બોરીયા જકશીની વાડી, લાડલી પાર્ટી પ્લોટ સામે તરીકે થઈ છે.
આ સમગ્ર કામગીરી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, પીએસઆઈ જે.સી. ગોહિલ તથા મોરબી સીટી ‘એ’ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.






