મોરબી, તા. 16 જુલાઈ: મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ મચ્છુ-2 ડેમ નજીકથી ઇકો કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી રૂ. 5,28,513ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, સફેદ રંગની ઇકો કાર (નં. GJ-09-BJ-4437)માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રફાળેશ્વર તરફથી જોધપર નદી તરફ લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે મચ્છુ-2 ડેમ નજીક નર્મદા કેનાલ રોડ પર વોચ ગોઠવી પોલીસે ઇકો કારને અટકાવી તપાસ કરતા ગાડીના પાછળના ભાગમાં તેમજ નીચે ખાસ બનાવેલા બે ગુપ્ત ચોરખાનામાંથી કુલ 493 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની કિંમત રૂ. 1,28,513 તેમજ ઇકો કાર સહિત કુલ રૂ. 5,28,513નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા (ઉ.વ. 33) તરીકે થઈ છે. હાલ તે સુવાડા ગામ, કટોસણ રોડ, તાલુકો દેત્રોજ, જિલ્લા મહેસાણા ખાતે રહે છે અને મૂળ મોરબીનો રહેવાસી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. આ અંગે સાંતલપુર પોલીસને પણ જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે દારૂનો જથ્થો મોકલનાર પ્રવિણસિંહ ઝાલા (રહે. થરા, તા. કાંકરેજ, જી. બનાસકાંઠા) અને જથ્થો મંગાવનાર અરવિંદભાઈ દાદુભાઈ બાટી (રહે. વજેપર, મોરબી)ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર, પેરોલ-ફર્લો સ્કવોડ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઈ ચાણકીયા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ રાઠોડ તેમજ ટેકનિકલ ટીમના સ્ટાફે સંયુક્ત રીતે પાર પાડી હતી.






