મોરબી જિલ્લા એલ.સી.બી.ની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.
મળતી માહિતી મુજબ, કચ્છ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ફરાર અને પેરોલ જમ્પ કરેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, પો.સબ.ઇન્સ્પેક્ટર વી.જી. માલાણી તથા તેમની ટીમ પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરી રહી હતી.
દરમિયાન ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ભનુભાઈ ઉર્ફે ખોડુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા કાઠી (ઉ.વ. 33), રહે. ખટડી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર વાંકાનેર બાઉન્ડ્રી વિસ્તારમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું.બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં તેની સામેની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પો.સબ.ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, પો.સબ.ઇન્સ્પેક્ટર વી.જી. માલાણી તેમજ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.






