મોરબી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડે સંયુક્ત કાર્યવાહી કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મહેસાણા જિલ્લાના કડી શહેરમાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા, પેરોલ જમ્પ અને જેલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરે ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.
દરમિયાન એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડને ખાનગી બાતમી મળી હતી કે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS Actના ગુનામાં વોન્ટેડ આરોપી સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાફભાઈ ઉર્ફે રાજુભાઈ પટણી (દેવીપૂજક), ઉંમર 31 વર્ષ, રહે. ગુલાબનગર, કડી, જી. મહેસાણા હાલ કડી ખાતે હાજર છે.
બાતમીના આધારે પોલીસ ટીમે કડી ખાતે પહોંચી આરોપીને ઝડપી પાડી મોરબી એલ.સી.બી. કચેરી લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે વાંકાનેર સિટી પોલીસના એન.ડી.પી.એસ.ના ગુનામાં પોતે ફરાર હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે વાંકાનેર સિટી પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI, પેરોલ-ફર્લો સ્કવોડના અધિકારીઓ તેમજ ASI હિતેન્દ્રસિંહ ચુડાસમા, HC ચંદુભાઈ કાણોતરા, PC ભગીરથસિંહ ઝાલા સહિત એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.






