“ઘેટાં-બકરાં સાઇડમાં કેમ લેતો નથી?” કહી મારકૂટ બાદ જાનથી મારી નાખવાની ધમકી: એક ઈસમ સામે ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના સરધારકા ગામે ઘેટા-બકરાને સાઇડમાં ન લેવાના મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ૫૫ વર્ષીય માલધારી પ્રૌઢ સાથે મારકૂટ કરી લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હાલ ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા નાથાભાઈ મૈયાભાઈ મુંધવા ઉવ.૫૫એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલ તા.૨૪/૦૭ના રોજ સાંજે તેઓ પોતાના ઘર પાસે વાડામાં ઘેટા-બકરા પૂરી રહ્યા હતા ત્યારે સરધારકા ગામના જ આરોપી જયરાજસિંહ બટુકસિંહ ઝાલા ત્યાં આવી “ઘેટા-બકરા સાઇડમાં કેમ લેતો નથી?” કહી ઉશ્કેરાઈ અને ગાળો આપી છાતી તથા પીઠના ભાગે ઢીકા પાટુ નો માર મારી, પોતાની સફેદ કારમાંથી લોખંડનો પાઇપ લાવી નાથાભાઈને ડાબા હાથના કાંડા પર ઘા મારતા ઇજા પહોંચી હતી. જે બાદ બૂમાબૂમ થતા ફરિયાદી નાથાભાઈના પુત્રો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યારે આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






