ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના તમામ જળાશયોની સ્થિતિ અને વરસાદી આંકડા અને ‘રાઉન્ડ ધ ક્લોક’ કંટ્રોલ રૂમની કામગીરી ચકાસી :આકસ્મિક સમયે આવેલા ઇમરજન્સી કોલ્સ અને હાથ ધરાયેલ રાહત-બચાવ કામગીરી અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ અપાઈ
મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રની સજ્જતાની ચકાસણી કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે એ ‘ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર’ (જિલ્લા કંટ્રોલ રૂમ)ની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરએ ભારે વરસાદ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકો તરફથી મળેલા ઇમરજન્સી કોલ્સ અને તે અન્વયે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી તથા રાહત-બચાવ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
૨૪x૭ (રાઉન્ડ ધ ક્લોક) કાર્યરત કંટ્રોલ રૂમની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવીને સમગ્ર જિલ્લામાં નોંધાયેલા વરસાદી આંકડા, વિવિધ જળાશયો અને ડેમોની વર્તમાન સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.તેમણે તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રહી સંકલનમાં કામગીરી કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ ડિઝાસ્ટર મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






