૦૩ કોમર્શિયલ એકમોના ૩૨ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન તાલીમ અપાઈ, મેડિકલ કોલેજમાં આગની ઘટનાની મોકડ્રીલમાં સફળ બચાવ અભ્યાસથી જાગૃતિ વધારાઈ.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે કોમર્શિયલ એકમોમાં તાલીમ, ફાયર સેફ્ટી ચેકિંગ અને માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય મોરબી ફાયર વિભાગ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આગ અને રેસ્ક્યુ અંગે સફળ મોકડ્રીલ યોજી ઈમરજન્સી સમયની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૨૨થી ૨૮ જુલાઈ દરમિયાન ત્રણ કોમર્શિયલ સંસ્થાઓના કુલ ૩૨ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ, ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરી અપૂરતી સુવિધા ધરાવતી ઇમારતોને નોટિસ આપી જરૂરી માર્ગદર્શન અને ગાઇડલાઇન આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ૬ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ અને ૨ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલની અરજીઓ પણ આર.એફ.ઓ. કચેરીમાં મોકલવામાં આવી હતી. ઉપરાંત ચાર રેસ્ક્યુ કોલમાં ફાયર વિભાગે સફળ કામગીરી પણ બજાવી હતી.
જ્યારે બીજી કામગીરીમાં મોરબી ફાયર વિભાગ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે “આગ અને રેસ્ક્યુ” મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડિંગમાં આગ લાગ્યાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરી ફાયર બ્રિગેડના રિસ્પોન્સ ટાઈમ, ઈવેક્યુએશન પ્રક્રિયા અને ફાયર સિસ્ટમની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. મોકડ્રીલ દરમિયાન ફસાયેલા બે વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની સફળ કામગીરી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ફાયર અધિકારીઓએ વિદ્યાર્થીઓ, સિક્યુરિટી, હાઉસકીપિંગ તથા અન્ય સ્ટાફને ફાયર એક્સટિંગ્યુશર અને બિલ્ડિંગમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી સિસ્ટમનો યોગ્ય ઉપયોગ તેમજ ઈમરજન્સી સમયે બચાવની પ્રાયોગિક તાલીમ આપી હતી. ફાયર વિભાગે નાગરિકોને કોઈપણ આગ કે અન્ય દુર્ઘટના સમયે તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના ૧૦૧, ૧૧૨ અથવા ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ ઉપર સંપર્ક કરવાની અપીલ પણ કરી છે.






