વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કહેર વર્તાવી રહ્યો હોય છેલ્લા દિવસોમાં વાંકાનેરની ચોતરફ પોઝીટિવ કેસોમાં વધારો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા દસેક દિવસમાં હાઉસિંગ સોસાયટીમાં 100, ભાટિયા સોસાયટીમાં 40, કુંભરપરામા 50, પેડકમાં 75 જેતપરડામાં 50 સહિત ગ્રામ્ય 250 જેટલા કેસ નોંધાયા છે અને સામે પક્ષે હજુ પણ લોકોને ટેસ્ટ માટે વેઇટિંગમાં રહેવું પડતું હોય કોરોનાની ગંભીર સ્થિતિ હોવાનું બહાર આવ્યું છે.
બીજી તરફ વાંકાનેર શહેર અને જિલ્લામાં કોરોનાની સાથે વાઇરલ તાવ, શરદી, ઉધરસના કેસ પણ મોટી સંખ્યામાં બહાર આવતા નાના મોટા દવાખાના અને હોસ્પિટલમાં હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સંજોગોમાં કોરોનાના કેસ પણ વધ્યા હોવા છતાં એક માત્ર સરકારી હોસ્પિટલનું કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં ન આવતા પોઝિટિવ દર્દીઓને સારવાર માટે મોરબી રાજકોટના ધક્કા થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં રેપીડ ટેસ્ટ કિટના અભાવે ટેસ્ટની સંખ્યા ઘટાડવામાં આવતા આ મામલે વાંકાનેર પાલિકાના સદસ્ય સુનિલ કુમાર મહેતાએ ટેસ્ટ વધારવાની સાથે કોવિડ કેર સેન્ટર પણ ફરી શરૂ કરવા લેખિત રજુઆત કરી છે.