ઘરે જમવાનું કહેતા યુવકે ના પાડતાં ત્રણ શખ્સો ઉશ્કેરાયા, ઇંટથી છાતીના ભાગે માર માર્યાની ફરિયાદ નોંધાઇ.
હળવદના જુના ઇશનપુર ગામે તળાવની પાળે યુવકને ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત એક શખ્સે ઇંટ વડે છાતીમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
હળવદ તાલુકાના જુના ઇશનપુરના હરસિદ્ધચન્દ્ર લધાભાઈ મકવાણા ઉવ.૨૯ ગઈ ૮ ઓગસ્ટે તળાવમાં ભેંસોને પાણી પીવડાવવા ગયા હતા. ત્યારે ત્યાં હાજર આરોપી લાલાભાઈ પરમાર રહે.કીડી ગામ તા. હળવદ તથા હીરાભાઈ ડાયાભાઈ સોલંકી અને સુનિલભાઈ ગોવિંદભાઈ પરમાર બન્ને રહે. ઇશનપુર ગામ તા.હળવદ વાળા પૈકી આરોપી લાલાભાઈએ ફરિયાદીને કહ્યું કે, અગાઉ તમે મારા ઘરે જમવા આવ્યા હતા આજે મને તમારા ઘરે જમાડો, ત્યારે ફરિયાદીએ કહેલ કે મારે ઘરે રસોઈ નથી બની. તેમ કહેતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી ત્યારબાદ બે શખ્સોએ ફરિયાદીને પકડી રાખ્યો હતો અને એક શખ્સે ઢીકા-પાટુનો માર મારી ઇંટ વડે છાતીના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






