રહેણાંક મકાનની છત પરથી રૂ.૯૦ હજારનો ૪૫૦ લીટર દેશી દારૂ ઝડપાયો: બાદમાં વર્લી મટકાના આંકડા, પાંચ મોબાઇલ અને રોકડ સહિત રૂ.૨૧,૫૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ શેરી નં.૩/૪ વિસ્તારમાં બાતમીને આધારે રેઇડ કરી દેશી દારૂ અને વર્લી મટકાના જુગારનો પર્દાફાશ કર્યો છે. દારૂના કેસમાં એક શખ્સ ઝડપાયો જ્યારે એક મહિલા આરોપીને ફરાર જાહેર કરી છે. ત્યારબાદ પકડાયેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વર્લી મટકાના આંકડા લખેલા કાગળો, પાંચ નંગ મોબાઇલ અને રોકડ મળી આવતા તેમજ જુગારમાં અન્ય બે શખ્સો સાથે ભાગીદારીમાં જુગાર રમતો રમાડતો હોવાની કબૂલાત આપતા ત્રણ વિરુદ્ધ જુગારનો પણ ગુનો નોંધાયો છે.
મોરબીના લાતીપ્લોટ શેરી નં.૩-૪ વચ્ચે મકાનની છત પર દેશી દારૂ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે રેઇડ કરી હતી. દરમિયાન છત ઉપરથી ૪૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૯૦ હજાર સાથે આરોપી અનવરભાઈ ઇલ્યાસભાઈ કટીયા ઉવ.૩૦ રહે. લાતી પ્લોટ શેરી નં.૩/૪ હાજર મળી આવતા તેની અટક કરવામાં આવી હતી. જ્યારે આ દારૂના ધંધામાં મહિલા આરોપી રજીયાબેન જુસબભાઈ કટીયા રહે. લાતી પ્લોટ શેરી નં.૩/૪ મોરબી વાળીનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી હતી.
પ્રોહીબિશનની કાર્યવાહી બાદ પોલીસે પકડાયેલ આરોપી અનવરભાઈના રહેણાંક મકાનની તલાશી લેતા, ત્યાંથી વર્લી ફીચરના આંકડા લખેલા કાગળો અને હિસાબની ચીઠ્ઠીઓ મળી આવી હતી. જેથી પોલીસે પાંચ મોબાઇલ ફોન અને રોકડ રૂ.૫૦૦ સહિત કુલ રૂ.૨૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે પકડાયેલ આરોપી અનવરભાઈની સઘન પૂછતાછમાં વર્લી જુગારમાં તેના બે પાર્ટનર આરોપી કાનાભાઈ મનીષભાઈ જોષી રહે. વાવડી તથા તારમામદ ઇસ્માઇલ જુનાણી રહે. હાલ કુબેરનાથ રોડ મોરબી મુળરહે. મોરબી વાવડી રોડ રામપાર્ક વાળાના નામની કબૂલાત આપતા તે બન્ને સહિત પકડાયેલ આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.






