રિક્ષા મૂકી બે શખ્સો અંધારામાં નાસી ગયા, પોલીસે રૂ.૭૬,૨૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો.
મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શંકાસ્પદ સીએનજી રિક્ષાને અટકાવતા, રિક્ષાનો ચાલક અને તેની સાથેનો ઈસમ વાહન મૂકી અંધારાનો લાભ લઈને નાસી ગયા હતા. ત્યારે રિક્ષામાંથી વિદેશી દારૂની ૭૦ બોટલ મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે લઈને આગળની તપાસ ચલાવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટમાં નર્મદા હોલ નજીક સીએનજી રિક્ષા નં. જીજે-૩૬-ડબલ્યુ-૨૬૦૬ શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રિક્ષા ચાલક તથા અન્ય એક શખ્સ રિક્ષા મૂકીને અંધારામાં ગલી-ખાંચામાંથી નાસી ગયા હતા. જે બાદ પોલીસે રિક્ષાની તપાસ કરતાં તેમાં વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૭૦ બોટલ કિ.રૂ.૨૬,૨૫૦/-મળી આવી હતી, જેથી પોલીસે દારૂનો જથ્થો તેમજ સીએનજી રિક્ષા કિ.રૂ.૫૦ હજાર એમ કુલ રૂ.૭૬,૨૫૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે નાસી ગયેલા શખ્સોમાંથી એક બુટલેગર રોહિત જીવણદાસ દુધરેજિયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા હોવાની ઓળખ મેળવી લીધી હતી, હાલ બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.






