અગાઉ છોકરાઓ રમવા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી લાકડી-પાઇપથી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી.
વાંકાનેર તાલુકાના જોધપર ગામે અગાઉ છોકરાઓ રમવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી માતા-પુત્રી પર લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઇપથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ચાર મહિલા સહિત છ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો અનુસાર, જોધપર ગામે રહેતા ભાવુબેન કિશનભાઈ અમરશીભાઈ સોલંકી ઉવ.૩૫એ આરોપી વાલાભાઇ દેવાભાઇ રાઠોડ, રાહુલભાઇ હમીરભાઇ રાઠોડ, નાગલબેન વાલાભાઇ રાઠોડ, રેખાબેન રાહુલભાઇ રાઠોડ, કુંજલબેન વાલાભાઇ રાઠોડ તથા દેવુબેન હમીરભાઇ રાઠોડ તમામ રહે.જોધપર તા.વાંકાનેર વાળા સામે નોંધાવેલ ફરિયાદ મુજબ, ગઈ તા.૧૧ ઓગસ્ટની સાંજે ભાવુબેન સોલંકી પોતાની ૧૫ વર્ષીય પુત્રી શિવાની અને બાળકો સાથે ગામમાં જઈ રહ્યા હતા ત્યારે ડો. બાબાસાહેબના બોર્ડ પાસે ઉપરોક્ત તમામ આરોપીઓએ અગાઉના છોકરાઓના ઝઘડાનો ખાર રાખી ગાળો બોલી લાકડાના ધોકાથી ફરિયાદી ભાવુબેન અને તેની પુત્રીને માર માર્યો હતો. ત્યારે ફરિયાદીના પતિ તથા ગામલોકોએ વધુ મારથી છોડાવેલ બાદમાં તમામ આરોપીઓ જવનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી નાસી ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત માતા-પુત્રીને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






