મોરબી: મોરબી શહેરમાં પરપ્રાંતીય દારૂના ગુનાઓમાં અવારનવાર ઝડપાતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એક ઈસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મકેશકુમાર પટેલ તથા મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ શહેરમાં પરપ્રાંતીય દારૂના ગુનાઓ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા સૂચના આપવામાં આવી હતી.
જે અનુસંધાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા દ્વારા મોરબીના કાલિકા પ્લોટ, શેરી નંબર-1 ખાતે રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ભુપુ જયસુખભાઈ વાઘેલા (ઉં.વ. 23) વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી.આ દરખાસ્ત મંજૂર થતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, મોરબી દ્વારા પાસા વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે પાસા વોરંટની બજવણી કરી ભુપેન્દ્ર ઉર્ફે ભુપુ વાઘેલાને જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો હતો.






