મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર પુસ્તકાલયના વાચકોને તેમની વાંચનરુચિ અને જરૂરિયાતને અનુરૂપ નવા પુસ્તકો સૂચવવા અપીલ કરવામાં આવી છે. સાહિત્ય, નવલકથા, કાવ્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, વિજ્ઞાન-ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને બાળસાહિત્ય સહિતના વિવિધ વિષયોના પુસ્તકોની ભલામણ વાચકો કરી શકશે. મળેલા સૂચનોના આધારે પુસ્તકાલય દ્વારા જરૂરિયાત, ઉપયોગિતા અને ઉપલબ્ધ બજેટને ધ્યાનમાં રાખી યોગ્ય પુસ્તકોની પસંદગી અને ખરીદી કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર પુસ્તકાલયના વાચકોને તેમની જરૂરિયાત અને વાંચનરુચિ અનુસાર નવા પુસ્તકો સૂચવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વાચકો સાહિત્ય, નવલકથા, વાર્તા, કાવ્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, વિજ્ઞાન-ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બાળસાહિત્ય સહિતના વિવિધ વિષયોના પુસ્તકોની ભલામણ કરી શકશે. વાચકો પોતાના પસંદગીના પુસ્તકોની વિગતો ઓનલાઈન ERP પોર્ટલ મારફતે અથવા પુસ્તકાલયની મુલાકાત લઈને આપી શકશે. ઓનલાઈન સૂચન માટે ERP પોર્ટલ પર લોગિન કરી પુસ્તકનું નામ સહિતની વિગતો ભરી શકાશે.
આ ઉપરાંત વાચકો શહેરની શ્રીમદ રાજચંદ્ર લાઇબ્રેરી (શાક માર્કેટ પાસે), ગ્રીન ચોક લાઈબ્રેરી તથા કેસર બાગ લાઈબ્રેરી (સામાકાંઠે) ખાતે રૂબરૂ જઈ પુસ્તકો સૂચવી શકશે. પુસ્તકની ભલામણ કરતી વખતે પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશક તથા ઉપલબ્ધ અન્ય વિગતો આપવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. વાચકો તરફથી મળેલા સૂચનોને પુસ્તકાલય દ્વારા પુસ્તકની જરૂરિયાત, ઉપયોગિતા અને ઉપલબ્ધ બજેટને ધ્યાનમાં રાખીને ચકાસ્યા બાદ યોગ્ય પુસ્તકોની પસંદગી અને ખરીદી કરવામાં આવશે.






