મોરબી જીલ્લામાં એક જ દિવસે વાંકાનેરમાં બે અને હળવદમાં એક એમ અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં વાંકાનેર શહેર વિસ્તારમાં મહાનદીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. વાંકાનેર તાલુકાના દ્વારકાધીશ હોટલના રૂમમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે હળવદ નજીક હાઇવે પર મોટરસાયકલ ખૂંટિયા સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.
પ્રથમ અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, વકનેરની ભાટીયા સોસાયટી ગુરુકૃપા જાબુની દુકાન પાછળ રહેતા સુકેતગીરી જીતેન્દ્રગીરી ગોસ્વામી ઉવ.૪૨ ગત તા.૨૦/૦૮ના રોજ રાણેકપર ગામની સીમમાં મહાનદીમાં પડી જતાં ડૂબી ગયા હતા. જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના રંગપર ગામ પાસે આવેલી દ્વારકાધીશ હોટલના રૂમમાં ચેતનભાઈ પબાભાઈ ગઢાદરા ઉવ.૨૦ રહે. નવાપરા વાંકાનેર વાળા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત મોરબીના લાલપર ગામે રહેતા મૂળ જીવા તા. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગરના વતની શંકરગીરી મોહનગીરી ગોસાઈ ઉવ.૨૬ ગત તા.૧૬/૦૮ના રોજ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર શક્તિનગર (સુખપર) ગામ નજીક અચાનક રોડ પર આવેલા ખૂંટિયા સાથે અથડાતા ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. હાલ ત્રણેય અપમૃત્યુના બનાવોમાં વાંકાનેર અને હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






