ટંકારા તાલુકાના બંગાવડી ગામે વડીલોપાર્જિત ખેતીની જમીનમાંથી ૧-૧૫-૩૫ હેક્ટર જમીન ઉપર કુટુંબી ભાઈએ ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી હોય ત્યારે સમગ્ર મામલે મોરબી જીલ્લા કલેક્ટરના હુકમના આધારે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મૂળ બંગાવડીના વતની હાલ અમદાવાદમાં રહેતા નિવૃત્ત બેંક મેનેજર ડુંગરભાઈ હીરાભાઈ કાસુન્દ્રા ઉવ.૬૮ વાળાની ફરિયાદ મુજબ બંગાવડી ગામના સર્વે નં. ૧૮૫/૧ પૈકી ૨માં કુલ હે. ૧-૨૯-૫૦ ચો.મી. જમીન તેમની માલિકીની છે. ગત તા. ૨ જાન્યુઆરી ૨૦૨૪થી કુટુંબી ભાઈ આરોપી સુરેશભાઈ મેઘજીભાઈ કાસુન્દ્રાએ પોતાની જમીન સાથે ફરિયાદીની જમીન ભેળવી કુલ હે. ૧-૧૫-૩૫ જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરી તેમાં વાવેતર કરી ખેતીની ઉપજ મેળવી હતી. જમીન ખાલી કરવા વારંવાર કહેવા છતાં કબજો દૂર ન કરતાં આ મામલે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લા કલેક્ટરની કચેરીના હુકમના આધારે ટંકારા પોલીસે ફરિયાદી ડુંગરભાઈની ફરિયાદને આધારે આરોપી સુરેશભાઈ મેઘજીભાઈ કાસુન્દ્રા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






