મોરબી તાલુકાના ખરેડા ગામે વાડીમાં મગફળીના વાવેતર ઉપરથી ટ્રેક્ટર ચલાવવાની ના પાડતાં વાડી પાડોશીએ ઉશ્કેરાઈ પથ્થર મારી ખેડૂતના કાનના ભાગે ઇજા પહોંચાડી હતી. હાલ બનાવ મામલે ભોગ બનનારની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા બચુભાઈ મહાદેવભાઈ ચાડમીયા ઉવ.૫૫એ આરોપી રણેશભાઈ કુગશીયા રહે. ખરેડા ગામ વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા. ૧૮ ઓગસ્ટના રોજ ફરિયાદી રંગપર રોડ પર આવેલા સીમ વિસ્તારમાં પોતાની વાડીએ હાજર હતા. તેમની વાડીમાં મગફળીનું વાવેતર કરેલું હતું. ત્યારે ત્યાં વાડી પાડોશી આરોપી રમેશભાઈ કુગશીયા ભાડેથી લાવેલા ટ્રેક્ટરથી મગફળીના વાવેતરમાંથી પસાર થવા લાગ્યા હતા. જેથી ફરિયાદી બચુભાઈએ વાવેતરમાં ટ્રેક્ટર ન ચલાવવા સમજાવતા રમેશભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપી હાથમાં રહેલા પથ્થરથી બચુભાઈને કાનના ભાગે મારીને ઇજા પહોંચાડી હતી. જેથી ફરિયાળુએ પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં કાનના બહારના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






