તસ્કરોએ એસી-ફ્રીઝ રિપેરિંગની દુકાનની લોખંડની બારીના સળિયા તોડી ૧૦૦ કિલો કોપર વાયર ઉઠાવી ગયા.
મોરબીના ઘુટુ ગામ નજીક આવેલી ડાયમંડ રેફ્રીજરેશન નામની એસી-ફ્રીઝ રિપેરિંગની દુકાનમાં તસ્કરોએ લોખંડની બારીના સળિયા તોડી પ્રવેશ કરી અંદાજે ૧૦૦ કિલો કોપર વાયર કિ.રૂ.૧.૮૦ લાખની ચોરી કરી લઈ ગયા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશીકભાઈ ત્રીભોવનભાઈ પટેલ ઉવ.૪૨ વાળાની ઘુટુ રોડ પર આઈ.ટી.આઈ. કોલેજ પાછળ પીપળી ગામ તરફના રસ્તે ડાયમંડ રેફ્રીજરેશન નામની એસી રિપેરિંગ તથા વેચાણની દુકાન આવેલી છે. ત્યારે ગત તા.૨૨/૦૮ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતા. ત્યારબાદ બે દિવસ બાદ તા.૨૫/૦૮ના રોજ દુકાને પહોંચતા પાછળની લોખંડની બારીના સળિયા તૂટેલા જોવા મળ્યા હતા. જેમાં તસ્કરોએ બારીના સળિયા તોડી દુકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા નવા કોપર વાયરના ફીંડલા તથા કામમાં ઉપયોગમાં લેવાતા નાના-મોટા કોપર વાયરના ટુકડા મળી અંદાજે ૧૦૦ કિલો કોપર વાયર કિ.રૂ.૧,૮૦,૦૦૦/- ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. હાલ કૌશિકભાઈની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા તસ્કર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ), ૩૩૧(૨) (૩) (૪) મુજબ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






