છરી બતાવી રૂ.૨૪ હજારની લૂંટ કર્યા અંગે પણ ફરિયાદ.
મોરબી તાલુકાના પાવડીયારી કેનાલ પાસે ચાર શખ્સોએ બે યુવકો સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી છરી બતાવી એક યુવકના ખિસ્સામાંથી વેપાર ધંધાના રૂ.૨૪ હજાર કાઢી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગરમાં ટાવર પાસે રહેતા હાલ પાવડીયારી કેનાલ નજીક અપના માર્કેટમાં મુરઘીના થડામાં કામ કરતા ફરીદ યાસીનભાઈ મેર ઉવ.૨૪ એ આરોપી ખીરઈ ગામ તા.માળીયા(મી)ના ઇકો, શિકલો, મુખી અને કારો નામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨૪/૦૮ના રોજ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે તેઓ તથા તેમના શેઠ ઇકબાલભાઈ મુરઘીના થડાનો હિસાબ કરી નજીકની ચાની દુકાને બેઠા હતા. ત્યારે નંબર વગરની કાળા રંગની સ્કોર્પિયો કારમાંથી ઉપરોક્ત ચાર શખ્સો આવ્યા અને આરોપી ઇકાએ ઇકબાલભાઈને તેમના ભાઈ તૈયબભાઈએ અગાઉ માળીયા પોલીસ સ્ટેશનમાં તેની સામે મારામારીની ફરિયાદ કેમ કરી તે બાબતે ઉશ્કેરાઈ ગાળાગાળી કરી હતી. આ દરમિયાન ફરિયાદી ફરીદ વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. દરમિયાન છરી બતાવી ફરીદના ખિસ્સામાં મુરઘીના થડાના બે દિવસના હિસાબના રૂ.૨૪,૦૦૦/-કાઢી લીધા હતા.
જે બાદ ચારેય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી જતા સમયે તૈયબભાઈને જ્યાં મળે ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી ચારેય શખ્સો વિરુદ્ધ લૂંટ, મારામારી, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






