મોરબી ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી: રોકડ, મોબાઇલ અને ટોકન સહિત રૂ.૧.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત.
મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં ઝૂંપડું બનાવી પ્લાસ્ટિકના ટોકનથી તીનપત્તીનો જુગાર રમતા ૬ શખ્સોને મોરબી એલસીબીએ ઝડપી લીધા હતા. પોલીસે રોકડ, મોબાઇલ ફોન, ગંજીપતાના પાના અને ટોકન સહિત કુલ રૂ.૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે જુગારનો અખાડો ચલાવનાર ઈશાભાઈ સુમરા હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરાયો છે.
મોરબીમાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા મળેલી સૂચનાના પગલે મોરબી એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કવોડ ટીમને વનાળીયા ગામની સીમમાં ખેવારીયા માર્ગે વોકળાના કાંઠે આવેલા ઝૂંપડામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા પ્લાસ્ટિકના ટોકન અને ગંજીપતાના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા ઉવ.૫૫ રહે. વનાળીયા તા.જી. મોરબી, યુનુસભાઈ હાજીભાઈ સુમરા ઉવ.૪૦ રહે. વનાળીયા તા.જી. મોરબી, જુસબભાઈ સલેમાનભાઈ સુમરા ઉવ.૫૫ રહે. માધાપર શેરી નં.૨૨ મોરબી, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા ઉવ.૫૫ રહે. વીસીપરા મોરબી, માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા ઉવ.૭૩ રહે.અંજની એપાર્ટમેન્ટ બ્લોક નં.૫૦૧ રવાપર રોડ મોરબી તથા હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા ઉવ.૬૨ રહે. રિલીફનગર મોરબી-૨ સહિત ૬ શખ્સો ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૮૦,૨૦૦/-, પાંચ મોબાઇલ ફોન રૂ.૨૦,૫૦૦/- અને પ્લાસ્ટિકના ૭૦ ટોકન મળી કુલ રૂ.૧,૦૦,૭૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી ઈશાભાઈ મુસાભાઈ સુમરા રહે. વનાળીયા ગામ તા.જી. મોરબી વાળો હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેને ફરાર દર્શાવી તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જી. માલાણી તથા એલસીબી/પેરોલ-ફર્લો સ્કવોડ ટીમ દ્વારા કરવામાં આવી હતી.






