કારખાનામાં ભેંસોને પાણી પાવા અને બહેનો-દીકરીઓને કામે ન રાખવાના મુદ્દે યુવક પર હુમલો, ત્રણ સામે ફરિયાદ નોંધાઇ.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના બીલીયા ગામે રોયલ એબ્રેસીવ નામના કારખાનામાં રહેતા મૂળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના બાખાસર ગામના વતની દિનેશભાઈ સગથાભાઈ આલ ઉવ.૨૬ જે ઉપરોકત કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તેમણે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૨ સપ્ટેમ્બરના રોજ રાત્રે ફરિયાદી બીલીયા ગામના સરકારી દવાખાના પાસે હતા ત્યારે આરોપી અરમાનભાઈ ફારૂકભાઈ, ફારૂકભાઈ આદમભાઈ અને તોસીફભાઈ ત્રણેય રહે. બીલીયા તા.જી.મોરબી વાળા બે મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા. ત્રણેયે બહેનો-દીકરીઓને કારખાનામાં કેમ કામે રાખતા નથી તથા ભેંસોને કારખાને પાણી કેમ પાવા દેતા નથી તેમ કહી ગાળો આપી હતી. આ દરમિયાન ફારૂકભાઈએ લાકડીથી દિનેશભાઈના માથામાં ઘા માર્યો હતો, જ્યારે અરમાનભાઈ અને તોસીફભાઈએ ઢીકાપાટુનો માર મારી તેમને રોડ પર ઢસડ્યા હતા. ત્યારે દેકારો થતાં આસપાસના લોકો ભેગા થતાં ત્રણેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






