લાકડાના ધોકા અને પથ્થરથી મારામારીમાં બંને પક્ષના ચારથી વધુ લોકોને ઈજા, કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધાયો.
હળવદ તાલુકાના સુખપર ગામે મકાનના પ્લોટના મુદ્દે થયેલી બોલાચાલી, ઉપરાંત અગાઉ માતાજી લાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને કુટુંબી ભાઈઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. હાલ બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
પ્રથમ પક્ષની ફરિયાદ મુજબ, હળવદ તાલુકાના દેવપુર(સુખપર) ગામે રહેતા જેસીંગભાઈ ખેંગારભાઈ પંચાસરાના પુત્ર સીંધાભાઈ અને કુટુંબી ભાઈ લાલજીભાઈ બહાદુરભાઈ પંચાસરા વચ્ચે મકાનના પ્લોટ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન લાલજીભાઈએ સીંધાભાઈને ગાળો આપી લાકડાના ધોકાથી ખભા પર માર માર્યો હતો. ત્યારબાદ આરોપી બહાદુરભાઈ કુકાભાઈએ ફરિયાદી જેસીંગભાઈના માથામાં પથ્થર મારતા તેમને ફ્રેક્ચર તથા છ ટાંકા જેવી ઈજા થઈ હતી. આરોપી બળદેવભાઈ કુકાભાઈએ ફરિયાદીના દીકરા સમરથભાઈને માથામાં ધોકો મારી તથા આરોપી કરણભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામેપક્ષે ફરિયાદી બહાદુરભાઈ કુકાભાઈ પંચાસરાએ વળતી ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૧ સપ્ટેમ્બરના રોજ રાત્રે દેવપુર ગામના ચોરે માતાજી લાવવા બાબતે તેમના ભાઈ બળદેવભાઈ અને કુટુંબી ભાઈ સીંધાભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખીને આરોપી જેસીંગભાઈ તથા તેમના પુત્રો આરોપી સમરથભાઈ અને આરોપી સીંધાભાઈ લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને મારામારી કરી હતી. જેમાં ફરિયાદી બહાદુરભાઈને માથામાં બે ટાંકા તથા હાથ અને વાસાના ભાગે મૂઢ ઈજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ હળવદ પોલીસે બંને પક્ષના આરોપી (૧)લાલજીભાઈ બહાદુરભાઇ પંચાસરા, (૨)બહાદુરભાઈ કુકાભાઈ પંચાસરા, (૩)બળદેવભાઈ કુકાભાઈ પંચાસરા, (૪)કરણભાઈ બહાદુરભાઈ પંચાસરા તથા (૫)જેસીંગભાઈ ખેંગારભાઈ પંચાસરા, (૬)સમરથ જેસીંગભાઈ પંચાસરા, (૭)સિંધાભાઈ જેસીંગભાઈ પંચાસરા તમામ રહે.દેપુર(સુખપર) તા.હળવદ વાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






