મોરબીના પ્રેમજીનગર ગામના ગેઇટ સામે માતા સાથે હાઇવે રોડ ક્રોસ કરી રહેલી ૭ વર્ષીય બાળકીને પુરઝડપે આવેલા આઇસર ટ્રકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાળકીના માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. માતાની નજર સામે બનેલી આ કરૂણ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. બનાવ અંગે તાલુકા પોલીસે આરોપી આઇસર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના પ્રેમજીનગર ગેઇટ સામે હાઇવે રોડ પર ગઈકાલે તા.૦૩/૦૯ના રોજ બપોરના અરસામાં ૭ વર્ષીય ધ્રુવી હિરાભાઈ જગાભાઈ ખરગીયા તેના માતા જશુબેન સાથે રોડ ક્રોસ કરી રહી હતી. દરમિયાન મોરબી તરફથી પુરઝડપે આવેલા આઇસર ટ્રક રજી.નં. જીજે-૧૧-વીવી-૮૦૫૧ ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી ધ્રુવીને હડફેટે લીધી હતી. અકસમાતમાં ધ્રુવીને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક રફાળેશ્વર એપેક્ષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબે જોઈ તપાસી માસૂમ બાળકીને મૃત જાહેર કરી હતી. અકસ્માતના આ બનાવ અંગે મૃતક ધ્રુવીના પિતા હિરાભાઈ જગાભાઈ ખરગીયા ઉવ.૨૭ રહે. ભાયાતી જાંબુડીયા તા.વાંકાનેર વાળાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી આઇસર ચાલક સામે બીએનએસ તથા એમવી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






