શેરીમાં ટ્રેક્ટર ધીમું ચલાવવાનું કહેતા ધારીયું, પાઇપ, છરી, સોરીયું, પાવડો, ધોકા અને પથ્થર સાથે ધમકી આપનાર પાંચ મહિલા સહિત ૯ સામે ફરિયાદ.
હળવદના ઈશનપુર ગામે શેરીમાં ટ્રેક્ટર ઝડપથી ચલાવવા બાબતે સમજાવવા ગયેલા ત્રણ યુવકો સાથે પાંચ મહિલા સહિત નવ લોકોએ બોલાચાલી કરી હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
હળવદના જુના ઈશનપુર ગામે રહેતા હેમંતભાઈ બાલાભાઈ મકવાણા ઉવ.૩૪ ગત તા.૧ સપ્ટેમ્બરે તેમના ભત્રીજા કેતનભાઈ તથા પ્રકાશભાઈ સાથે ઘર પાસે બેઠા હતા. આ દરમિયાન આરોપી ભરતભાઈ પાલાભાઈ મકવાણા ટ્રેક્ટર ઝડપથી ચલાવીને જતા તેમને સમજાવવા ત્રણેય તેના ઘરે ગયા હતા. આ દરમિયાન આરોપી ભરતભાઈ સહિત હમીરભાઈ, દશરથભાઈ, શારદાબેન, નિલેશભાઈ, હીરૂબેન, હંસાબેન તથા હિનાબેન અને કિંજલબેન સહિત કુલ ૯ લોકોએ એકસંપ અને ગેરકાયદેસર મંડળી રચી ધારીયું, ધોકો, લોખંડનો પાઇપ, છરી, પાવડો અને પથ્થરો જેવા હથિયારો બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે બીએનએસની વિવિધ કલમો તથા જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.






