રંગપર ગામની સીમમાં ચા-પાનની દુકાન ચલાવતા યુવકના બંને હાથ-પગ ભાંગી નાખનાર બે સામે ફરિયાદ નોંધાઇ.
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં ચા-પાનની દુકાન ચલાવતા યુવક પર થાર અને સ્કોર્પિયોમાં આવેલ બે શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. હાલ પોલીસે આરોપી બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-૨માં કાંતીનગર સિસાયટીમાં રહેતા મૂળ અમદાવાદમાં દેવજીપૂરા વિસ્તારના વતની ઈમરાનભાઈ કરીમભાઈ સમાણી ઉવ.૩૭ કે જેઓ રંગપર ગામની સીમમાં લાફાન્સ સિરામિક પાસે આવ કોમ્પ્લેક્ષમાં ચા-પાનની દુકાન ચલાવે છે. ત્યારે ગત તા.૫ સપ્ટેમ્બરની રાત્રે આશરે ૧ વાગ્યે આરોપી ફારૂક મોવર અને ઈરફાન બંને રહે. માળીયા(મી) વાળા થાર તથા સ્કોર્પિયો કારમાં આવી ફરિયાદી ઈમરાનભાઈ સાથે બનેવી અનવર માલાણી સાથેના મનદુઃખના કારણે ઝઘડો કરી લાકડાના ધોકા અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઈમરાનભાઈના બંને પગ, બંને હાથ અને કમરના ભાગે ગંભીર ફ્રેક્ચરની ઇજાઓ થઈ હતી. ત્યારબાદ બન્ને હુમલાખોર જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. હાલ તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






