મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતાને ગાળો આપી હાથ વાળી માર મારવા ઉપરાંત બળજબરીથી મોટરસાયકલ પર બેસી જવાનું કહી છેડતી કર્યા અંગેના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં એક મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના એક ગામમાં રહેતી એક પરિણીત મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેશ ઉર્ફે ડેગો કેશુભાઇ પરમાર, નીતીન ઉર્ફે બેરો વાલજીભાઈ પરમાર અને પુજાબેન નીતીન ઉર્ફે બેરો પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, અગાઉ પતિ સાથે થયેલી બોલાચાલી બાબતે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ મહિલાના ઘરે આવી ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને હાથ વાળી માર માર્યો હતો અને મોટરસાયકલ પર બેસી જવાનું કહી શરીરે અડપલા કરી છેડતી કરી હતી. આ દરમિયાન મહિલાને માર મારવામાં આવતા તેણીને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ બનાવ અંગે પોલીસે બીએનએસ કલમ ૭૫(૨), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






