માળિયાના મોટા દહીંસરા ગામે LCBનો દરોડો, 23 પેટીમાં ભરેલી 276 બોટલ સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપીની ધરપકડ
મોરબી: મોરબી જિલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગોરખધંધા સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી રોયલ સ્ટેગ બાદ હવે નકલી બ્લેન્ડર સ્પ્રાઇડ બ્રાન્ડનો વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે આ સાથે મોરબી એલસીબીની ટીમની સતર્કતા થી સપ્લાય કરવા તૈયાર ૨૭૬ બોટલ નકલી દારૂ બજારમાં પહોંચે તે પહેલા જ મોટો કાંડ થતા અટક્યો છે.
મળતી માહિતી મુજબ, માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે નકલી વિદેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીના આધારે મોરબી LCB પીઆઇ એસ.પી જાડેજા દ્વારા ઇન્ચાર્જ એસપી સમીર સારડા તેમજ હળવદ પીઆઇ કે.કે.દરબારને સાથે રાખીને ટીમ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસની કાર્યવાહી દરમિયાન કુખ્યાત બુટલેગર અજયસિંહ ભાવુભા જાડેજાના રહેણાંક મકાનમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાનો ગોરખધંધો ઝડપાયો હતો. સ્થળ પરથી 200 લિટર નકલી દારૂ બનાવવાનું કેમિકલ, બ્લેન્ડર બ્રાન્ડની ખાલી બોટલો તથા સ્ટીકરો મળી આવ્યા હતા.
તપાસમાં રાજસ્થાનથી ખાલી બોટલો અને સ્ટીકરો મંગાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત તૈયાર કરવામાં આવેલ નકલી વિદેશી દારૂની 23 પેટીમાં કુલ 276 ભરેલી બોટલો મળી આવી હતી.નકલી દારૂ બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ LCBએ દરોડો પાડી સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી અજયસિંહ ભાવુભા જાડેજા, મહેશ ઉર્ફે મુન્નો કાંજિયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો સિંધવ અને વિક્રમ ધંધુકિયા સામે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.LCB ટીમે આશરે રૂ.6.50 લાખની કિંમતનો નકલી વિદેશી દારૂ તેમજ કાર સહિત કુલ રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલ પોલીસ દ્વારા નકલી દારૂના આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે, રાજસ્થાનથી બોટલો-સ્ટીકરો કોણ મારફતે મંગાવવામાં આવતા હતા અને તૈયાર દારૂ ક્યાં સપ્લાય કરવાનો હતો તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






