મોરબીના ત્રાજપર ચાર રસ્તા નજીક નંબર વગરના શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સને મોરબી એસઓજી પોલીસ દ્વારા અટકાયત કરી આગળની કાર્યવાહી સબબ આરોપીને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
મોરબી એસઓજી પોલીસની ટીમ કોમ્બિંગ નાઈટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-૨ ત્રાજપર ચાર રસ્તા નજીક બારૈયા પાન પાસે જુના ઘુંટુ રોડ તરફથી નંબર વગરના કાળા રંગના મોટરસાયકલ લઈને શંકાસ્પદ રીતે પસાર થતા જયદેવભાઈ રમેશભાઈ ડાભી રહે. ખરેડા ગામ હાઈસ્કૂલ પાછળ તા.જી. મોરબી વાળાને રોકી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે બાઈક અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે આરસી બુક સહિતના કાગળો માંગ્યા હતા, પરંતુ તેની પાસે કોઈ દસ્તાવેજો મળી આવ્યા નહોતા. જેથી ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતાં બાઈકનો રજીસ્ટ્રેશન નંબર જીજે-૩૬-એબી-૦૨૩૪ હોવાનું સામે આવ્યું હતું. જેથી બાઈક ચોરી કે છળકપટથી મેળવેલી હોવાની શંકાના આધારે પોલીસે રૂ.૪૦ હજારનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે લઈ, આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.






