વિદ્યાર્થીઓ બનશે મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર અને કોર્પોરેટર: સામાન્ય સભામાં શહેરના પ્રશ્નો પર કરશે ચર્ચા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૯ સપ્ટેમ્બરના રોજ બાળકોમાં લોકશાહી વ્યવસ્થા અને સ્થાનિક સ્વરાજ્યની સમજ કેળવવાના તેમજ શૈક્ષણિક અને પ્રેરણાત્મક હેતુથી વિશેષ ‘બાળ મહાનગરપાલિકા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને આમંત્રિત કરી અનોખી બાળ મહાનગરપાલિકાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સાંકેતિક રીતે મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, વિવિધ સમિતિઓના ચેરમેન તથા કોર્પોરેટર તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા મહાનગરપાલિકાની સામાન્ય સભાની કાર્યવાહીનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવશે તેમજ શહેરના વિવિધ પ્રજાકીય પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરી તેના ઉકેલ માટે સૂચનો રજૂ કરવામાં આવશે. આ પ્રવૃત્તિના માધ્યમથી બાળકોને લોકશાહી પ્રક્રિયા, નાગરિક ફરજ, નેતૃત્વ, વક્તૃત્વ અને સ્થાનિક સ્વરાજ્યની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો મુખ્ય હેતુ છે. આ વિશેષ બાળ સભા કાર્યક્રમ તા.૦૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મોરબી મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાશે. કાર્યક્રમનું આયોજન મહાનગરપાલિકાની રમતગમત શાખા દ્વારા કરવામાં આવ્યું છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.






