વેપારી-પુત્રને શરૂઆતમાં નફો આપી જાળમાં ફસાવ્યો: બેંક-યુપીઆઈ મારફતે રૂ.૪.૮૭ લાખ અને આંગડીયા મારફતે રૂ.૮૧.૪૮ લાખ પડાવ્યા
મોરબીના ટાઇલ્સ, મારબલના વેપારીના પુત્રને ફોન ઉપર સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી મોટો નફો આપવાની ખોટી સ્કીમો બતાવી ચાર શખ્સોએ બેંક અને આંગડીયા મારફત કુલ રૂ.૮૬,૨૫,૯૫૦/- મેળવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે. શરૂઆતમાં રૂ. ૯,૪૦૦/- જેટલો નફો પરત આપી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.
મોરબી-૨ ઉમા ટાઉનશીપમાં ખાતે રહેતા અને ટીંબડી ખાતે સીતારામ એન્ટરપ્રાઇઝ નામે ટાઇલ્સ-મારબલનો વેપાર કરતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરાએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના પુત્ર પલ્લવને તા.૦૨ મે ૨૦૨૬ના રોજ રોહનકુમાર નામના શખ્સે ફોન કરી પોતે માધવભાઈ શેઠનો એજન્ટ હોવાનું જણાવી સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી સારો નફો અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ લલીતભાઈ બ્રોકર અને સાગર પટેલ નામના શખ્સોએ પલ્લવ સાથે સંપર્ક કરી શરૂઆતમાં રૂ.૨૦૦૦/-નું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં રૂ. ૯,૪૦૦/- જેટલી રકમ નફા તરીકે પરત કરી વિશ્વાસ કેળવ્યો હતો.
આ પછી અલગ-અલગ નામાંકિત કંપનીઓના શેરમાં રોકાણ કરાવવાના બહાને તા.૧૯ મે થી ૪ જૂન દરમિયાન બેંક તથા યુપીઆઈ મારફતે કુલ રૂ. ૪,૮૭,૩૫૦/- પડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટું રોકાણ કરવા માટે આંગડીયા મારફતે નાણાં મોકલવા પડશે તેમ કહી હિંમતનગર ખાતે રબારી નચીકેતભાઈ બળદેવભાઈના નામે તા. ૬ જૂનથી ૨૩ જૂન દરમિયાન કુલ રૂ.૮૧,૪૮,૦૦૦/- મોકલાવવામાં આવ્યા હતા. આમ, કુલ રૂ.૮૬,૨૫,૯૫૦/-ની રકમ પડાવી લઈ રોકાણ કે નફાની રકમ પરત નહીં આપતાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે.
હાલ ભરતભાઇ વરમોરાની ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આરોપી રોહનકુમાર, લલીતભાઈ બ્રોકર, સાગર પટેલ અને નચીકેતભાઈ બળદેવભાઈ રબારી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫), ૩૧૮(૨), ૩(૫) અને ૬૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






