મનોરંજનથી વંચિત ચહેરાઓ પર ખુશી લાવવાનો સેવાયજ્ઞ : નિઃશુલ્ક પ્રવેશ સાથે વિવિધ રાઇડ્સનો આનંદ માણ્યો.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના લોકમેળામાં મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહના આશ્રિત ભાઈ-બહેનોને આમંત્રિત કરી નિઃશુલ્ક મેળો ફેરવવામાં આવ્યો હતો. આશ્રિતોએ વિવિધ રાઇડ્સનો આનંદ માણ્યો હતો, જ્યારે સ્વયંસેવકોએ તેમની સુવિધા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિષ્ના લોકમેળામાં મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહના આશ્રિતોને વિશેષ આમંત્રણ આપી આનંદયાત્રા કરાવવામાં આવી હતી. આશ્રિતોને નિઃશુલ્ક પ્રવેશ સાથે વિવિધ રાઇડ્સમાં બેસાડી મેળાની મોજ કરાવવામાં આવી હતી. આ સાથે આશ્રિતોને કોઈ અગવડ ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયંસેવકોએ સમગ્ર મેળા દરમિયાન તેમની સાથે રહી દરેક રાઇડ સુધી લઈ જઈ સુરક્ષા અને સુવિધાની કાળજી લીધી હતી. રંગબેરંગી રોશની, રાઇડ્સ અને ઉત્સવના માહોલ વચ્ચે આશ્રિતોના ચહેરા પર જોવા મળેલું સ્મિત આ સેવાકાર્યની સાર્થકતા બની રહ્યું હતું.
યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “સેવાનો સાચો અર્થ કોઈના જીવનમાં માત્ર સહાય નહીં, પરંતુ ખુશીની થોડી ક્ષણો ઉમેરવામાં પણ રહેલો છે.” તેમણે જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકો પણ જીવનની નાની ખુશીઓ માણી શકે તે માટે સંવેદનશીલતા સાથે સેવા કરવી જરૂરી છે. આશ્રયગૃહના પ્રતિનિધિઓએ યંગ ઇન્ડિયા ગ્રુપના આ માનવીય અને સેવાભાવી પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. “ખુશી માત્ર મેળવવામાં નહીં, પરંતુ વહેંચવામાં છે” એ ભાવનાને સાકાર કરતી આ આનંદયાત્રા મોરબીમાં સામાજિક સંવેદનાનું સુંદર ઉદાહરણ બની હતી.






