હળવદ: સ્પાના ધંધાના હિસાબ બાબતે થયેલા મનદુઃખનો ખાર રાખી પૂર્વ ભાગીદારે ઘરે જઈ યુવક અને તેની માતા સાથે ઝપાઝપી કરી લોખંડના ઝારાથી માર માર્યો હોવાની ફરિયાદ અત્રેના પોલીસ મથકમાં નોંધાઈ છે.
હળવદના સરા રીડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરુભાઈ ડાભી ઉવ.૩૦એ ફરિયાદ નોંધાવી છે કે, ત્રણ વર્ષ અગાઉ તેમણે કરણસિંહ દિલુભાઈ ચૌહાણ રહે.રઘુનંદન સોસાયટી હળવદ વાળા સાથે ધ્રાંગધ્રાના ગોકુલધામ કોમ્પ્લેક્ષમાં એપલ સ્પા ભાગીદારીમાં શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા ત્રણેક મહિનાથી હિસાબ બાબતે મનદુઃખ થતાં બંને ભાગીદારીમાંથી અલગ થઈ ગયા હતા. ત્યારે ગત તા. ૯ સપ્ટેમ્બરની રાત્રે આરોપી કરણસિંહ ફરિયાદીના ઘરે આવી ગાળો આપી ઝપાઝપી કરી અને લોખંડના ઝારાથી ફરિયાદીની પીઠમાં મારવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ફરિયાદીની માતા કંચનબેન વચ્ચે પડતાં તેમને પણ પીઠના ભાગે ઝારાથી માર માર્યો હતો. આ દરમિયાન પરિવારજનોએ બંનેને છોડાવ્યા બાદ આરોપી કરણસિંહ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






