હળવડમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને હળવદ નગરપાલિકા કચેરીના મુખ્ય દરવાજે તાળું મારી સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવાના મામલે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હળવદમાં સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને આરોપી ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી, પારસભાઈ રજનીભાઈ મહેતા અને પ્રશાંતભાઈ નટવરભાઈ ચાવડાએ ગઈકાલ તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ હળવદ નગરપાલિકા કચેરીના મુખ્ય શટર પર તાળું મારી દીધું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદ મુજબ, આરોપી ચંદુભાઈ અને આરોપી પારસભાઈ કચેરીના દરવાજા પાસે બેઠા હતા જ્યારે અન્ય આરોપી પ્રશાંતભાઈ મોબાઈલમાં વીડિયો ઉતારતા હતા. જ્યાં કચેરીમાં સફાઈ કામદારો હાજર હોવા છતાં શટર ન ખોલતાં તેઓને ગભરામણ અને છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવી બહાર કાઢવા વિનંતી કરી હતી. તેમ છતાં શટર ખોલવાનો ઇનકાર કરી નગરપાલિકાના કર્મચારીઓને સરકારી કામગીરીથી અટકાવ્યા હતા. જે બાદમાં પોલીસને બોલાવતા પોલીસે તાળું ખોલવાની કાર્યવાહી કરી હતી. ત્યારે આ બનાવ અંગે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ ૧૨૬(૨), ૧૨૭(૨), ૨૨૪, ૧૧૦, ૩(૫) તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






